Girnar Viral Video Details In Gujarati
ગિરનારના દુર્ગમ શિખર પર સેકન્ડોમાં ચડી જનાર યુવકની હકીકત જાણને નહીં થાય વિશ્વાસ
Girnar Viral Video
ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી એક વીડિયો જોરદાર વાઈરલ થયો છે. ગિરનારના દુર્ગમ ભૈરવજપ શિખર પર એક વ્યક્તિ રમતાં રમતાં સીધા ચઢાણને ચડી જાય છે અને તેટલી જ સરળતાથી ઊતરી પણ જાય છે. આ વીડિયો વાઈરલ થતાં આ યુવાન ‘દેશી સ્પાઇડરમેન’ તરીકે જાણીતો બન્યો છે. અંદાજે 4 મિનિટમાં જ આ યુવાન ભૈરવજપ સર કરીને ફરીથી નીચે ઊતરી જાય છે. આ યુવાનના શરીર વિશેની વાત જાણીને તમને વિશ્વાસ નહીં આવે.
દર મહિને ત્રણથી ચાર વખત જાય છે
આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તેમનું નામ છે પ્રેમ કાછડિયા. જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહેતા પ્રેમભાઈએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યાં છે. પ્રેમભાઈ છેલ્લા 20 વર્ષથી ભૈરવ જપ પર જાય છે. દર મહિને ત્રણથી ચાર વખત તેઓ આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂપ-દીવા અને સિંદૂર ચડાવવા માટે ભૈરવજપ પર જાય છે.
ઇલેક્ટ્રિશિયન તરીકે ફ્રીમાં કરે છે સેવાનું સત્કાર્ય
પ્રેમભાઈ ગિરનાર પર આવેલા સેવાદાસ આશ્રમમાં ઇલેક્ટ્રિશયન તરીકે સેવા આપે છે. માત્ર સેવાદાસ બાપુના આશ્રમે જ નહીં ગિરનાર પર આવેલા કોઈપણ આશ્રમમાં લાઇટ જાય તો પ્રેમભાઈ જ તેને ફ્રીમાં રિપેર કરી આપે છે. મોટેભાગે તેઓ સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રિ રોકાણ કરતા હોય છે. માત્ર આશ્રમ જ નહીં અન્ય કોઈ જગ્યાએ પણ ગિરનારમાં લાઇટ જાય તો પ્રેમભાઈ તેને કોઈપણ ચાર્જ લીધા વિના રિપેર કરી આપે છે.
પહેલી વખત 20 વર્ષ પહેલાં ચડ્યો હતો
પ્રેમભાઈ ભૈરવજપ પર ચડવા અંગે કહે છે કે, ‘ત્યાં ચડતી વખતે બધું ભૂલાઈ જાય છે. ક્યાં જતો હોઉં છું એ યાદ રહેતું નથી, બાકી બધું ભૈરવદાદાને જોવાનું. આ જગ્યાએ પહેલી વખત 20 વર્ષ પહેલાં ચડ્યો હતો.’ વધુમાં તેઓ જણાવે છે કે, ‘ભૈરવદાદાએ પરીક્ષા બહુ લીધી. એકવાર ટુ-વ્હીલરમાં એક્સિડન્ટ થયો હતો. ત્યારે પડી ગયો હતો અને મારા બંને પગ ડેમેજ થઈ ગયા હતા. પણ ભૈરવદાદાની કૃપાથી હાલ એકદમ સારું થઈ ગયું છે.’
ફ્રીમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપું છું
પ્રેમભાઈ સેવાકીય પ્રવૃતિ વિશે જણાવતા કહે છે કે, ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમે જ સેવાકાર્ય કરે છે. જૂનાગઢમાં શિવરાતનો મેળો હોય ત્યારે કે પછી પરિક્રમા હોય ત્યારે ઘણાં યાત્રિકો આવતા હોય છે. તેમાંથી જો કોઈને આશ્રમમાં નાઇટ હોલ્ટ કરવો હોય તો તેની વ્યવસ્થા કરી આપું છું. તેમને ફ્રીમાં રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી આપું છું.’
ભૈરવજપ જવા પરમિશન લેવી પડે
ભૈરવજપ અંગે માહિતી આપતા પ્રેમભાઈ કહે છે કે, ‘આ જગ્યા સાધુઓ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. અહીંયા જવું હોય તો સેવાદાસ બાપુના આશ્રમમાંથી બાપુની પરમિશન લેવી જ પડે. જો કોઈ આ જગ્યા અંગે જાણતું હોય તો જ તેને પરમિશન મળે છે, બાકી અજાણ્યા માણસો માટે પરમિશન નથી આપતા. ભૈરવજપ સેવાદાસ આશ્રમ પાસે આવેલી એક જગ્યા છે. જે ગિરનારના ફોટામાં નાક આકારે જોવા મળે છે.’ ભૈરવજપ પર ભૈરવદાદાનું સ્થાનક આવેલું છે. જ્યાં શિવરાત્રિના મેળા વખતે એટલે કે મહા વદ નોમ અને પરિક્રમા વખતે એટલે કે કારતક સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા અર્પણ કરવામાં આવે છે. આ ધજા પણ પ્રેમભાઈ જ ચડાવે છે.
Girnar Viral Video By Fullmoj.com
Grow your Business Click here